<લૂક ૧૦:૨૫-૩૦>
“જુઓ એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે, નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે, તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો; અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો.] તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર, એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે, એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.”
માણસની મોટામાં મોટી સમસ્યા કઈ છે?
તેઓ ખોટી ભ્રમણામાં જીવે છે.
લૂક ૧૦:૨૮, “આ કરો અને તમે જીવશો.”
મનુષ્યો ખોટી ભ્રમણામાં જીવે છે. તેવું લાગે છે કે તેઓ ખાસકરીને આ સંદર્ભમાં નિર્બળ છે. તેઓ બુદ્ધિશાળી લાગે છે પણ સરળતાથી છેતરાઈ જાય છે અને પોતાનામાં રહેલા દુષ્ટ પાસાથી અજાણ રહે છે. આપણે જન્મથી જ આપણાં વિષે કશું જાણતા હોતા નથી છતાં આપણે બધું જ જાણીએ છીએ તેવી રીતે જીવીએ છીએ. માણસો પોતાના વિષે કશું જ જાણતા નથી, તેથી બાઈબલ વારંવાર આપણને કહે છે કે આપણે પાપી છીએ.
લોકો તેમના પોતાના પાપના અસ્તિત્વ વિષે વાત કરે છે. એવું લાગે છે કે માણસો સારુ કાર્ય કરવા માટે અસમર્થ છે, છતાં પણ તેઓ, પોતાની જાતને સારી વર્ણવવા માટે વળગી રહે છે. તેઓ પોતાનાં સારા કર્યો વિષે બડાઈ કરે છે અને દેખાડો કરે છે, છતાં તેઓ પોતાના હોઠે પોતાને પાપી કહે છે.
તેઓને જાણતા નથી કે તેમનામાં કશું જ સારુ નથી અને કશું સારુ કરવાની ક્ષમતા પણ નથી, તેથી તેઓ બીજાને છેતરવાનો પ્રયત્ન કરે છે અને કેટલીક વાર તેઓ પોતાની જાતને પણ છેતરે છે. “આપણે સંપૂર્ણપણે દુષ્ટ નથી. આપણી અંદર કંઈક તો સારુ છે.”
પરિણામે, તેઓ બીજા તરફ જોઈને પોતાની જાતને કહે છે કે, “અરે, હું ઈચ્છું છું કે તેણે તેવું ન કર્યું હોત તો. જો તેણે તેવું ન કર્યું હોત તો તેને માટે સારુ હોત. જો તેણે આ પ્રકારે વાત કરી હોત તો તેને માટે કેટલું સારુ હોત. મને લાગે છે કે આ રીતે સુવાર્તાનો પ્રચાર કરવો તેને માટે સારું રહેશે. તેણે મારાં કરતા પહેલા છૂટકારો પ્રાપ્ત કર્યો છે, તેથી તેણે છૂટકારો પ્રાપ્ત કેરેલા વ્યક્તિની જેમ વર્તન કરવું જોઈએ. મેં હજી હમણાં જ છૂટકારો પ્રાપ્ત કર્યો છે, પણ જો હું વધારે શીખું, તો તેના કરતાં વધારે સારી રીતે કાર્ય કરીશ”.
જ્યારે તેઓ દુ:ખી થાય છે ત્યારે આવા માણસો પોતાના હૃદયમાં છરીઓને વધારે તીક્ષ્ણ બનાવે છે. “તમે જરા થોભો. તમે જોશો કે હું તમારાથી તદ્દન વિપરીત છું. તમે કદાચ વિચારતા હશો કે તમે મારા કરતાં આગળ છો, પણ જરા રાહ જુઓ. બાઈબલમાં લખ્યું છે કે જેઓ છેલ્લાં છે તેઓ પહેલાં થશે. હું જાણું છું કે તે મારા પર લાગૂ થાય છે. રાહ જુઓ હું તમને બતાવીશ”. લોકો પોતાની જાતને છેતરે છે.
જો તે બીજી વ્યક્તિના સ્થાને હોત તો તેણે પણ તેવીજ પ્રતિક્રિયા આપી હોત. તેમ છતાં તે તેનો ન્યાય કરે છે. જ્યારે તે મંચ પર ઉભો રહેશે, ત્યારે તે અચાનક ની:સહાય રીતે ધ્રૂજવા માંડશે કારણકે તે પોતાના પરિધાન વિષે વધુ સભાન છે. જયારે પૂછવામાં આવે છે કે શું તમારામાં સારાં કાર્યો કરવાની ક્ષમતા છે ત્યારે મોટા ભાગના માણસો કહે છે, ના. પરંતુ તેઓનામાં એવી ભ્રમણા હોય છે કે તેઓ સારા કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી, તેઓ મરણ પામે ત્યાં સુધી સદાચાર કરવા સખત પ્રયત્નો કરે છે.
તેઓ વિચારે છે કે તેઓના હૃદયમાં ‘ભલાઈ’ રહેલી છે તેથી તેઓ સારાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ એવું પણ માને છે કે તેઓ બહુ સારાં છે. તેઓ કેટલા સમય થી ધર્મી છે તેને અનુલક્ષીને, ખાસ કરીને તેઓ મધ્યે જેઓએ ઈશ્વરની સેવામાં ખુબજ પ્રગતિ મેળવી છે, તેઓ વિચારે છે, ‘હું ઈશ્વર માટે આ અને પેલું કરી શકું છું’.
પણ જો આપણે ઈશ્વરને આપણાં જીવનમાંથી બહાર કાઢી નાંખીએ, તો શું આપણે સારું કરી શકીએ? શું મનુષ્યજાતિમાં કશું સારું છે? શું આપણે સારાં કાર્યો કરીને જીવી શકીએ? મનુષ્યમાં સારાં કાર્યો કરવાની ક્ષમતા નથી. જ્યારે પણ તેઓ પોતાની ઈચ્છા અનુસાર કાર્યો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ પાપ કરે છે. કેટલાક લોકો ઈસુ પર વિશ્વાસ કર્યા પછી તેને બાજુ પર મૂકી દે છે અને પોતાની જાતે જ સારાં બનાવાનો પ્રયાસ કરે છે. આપણાં બધામાં બીજું કંઈ નહિ પણ ફક્ત દુષ્ટતા જ ભરેલી છે, તેથી આપણે ફક્ત દુષ્ટતાનું જ આચરણ કરીએ છીએ. આપણી જાતે(જેઓ ઉદ્ધાર પામી ચૂક્યા છે તેઓ પણ), આપણે પાપ જ કરીએ છીએ. તે આપણાં દેહની વાસ્તવિકતા છે.
આપણે હંમેશા શું કરીએ છીએ? સારું કે દુષ્ટતા?
દુષ્ટતા
આપણાં ભજનસંગ્રહમાં, ‘દેવની સ્તુતિ થાઓ,’ એવું એક ગીત છે તેના શબ્દો છે, “ઈસુ વગર આપણે ઠોકર ખાઈએ છીએ. આપણે સઢ વગરના વહાણની જેમ નકામાં છીએ.” ઈસુ વગર, આપણે ફક્ત પાપ જ કરીએ છીએ કેમ કે આપણે દુષ્ટ છીએ. ઉદ્ધાર પામ્યા પછી જ આપણી અંદર ન્યાયી કૃયો કરવાની ક્ષમતા છે.
પ્રેરિત પાઉલ કહે છે, “કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું.” (રોમન ૭:૧૯). જો માણસ ઈસુની સાથે હોય તો કોઈ ફર્ક પડતો નથી, પણ ફર્ક ત્યારે પડે છે જ્યારે તે ઈસુની સાથે કોઈપણ જાતનો સંબંધ રાખ્યા વગર ઈશ્વરની સમક્ષ સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જેટલો તે વધારે પ્રયત્ન કરશે તેટલો તે વધારે દુષ્ટતાનું આચરણ કરશે.
દાઉદ રાજાનો પણ એવો જ સહજ સ્વભાવ હતો. જ્યારે તેનું રાજ્ય શાંતિમય અને સમૃદ્ધ હતું ત્યારે, એક સાંજે, તે છત પર લટાર મારવા જાય છે. ત્યાં, તે પ્રલોભનમાં પાડનારું દ્રશ્ય જોવે છે અને દૈહિક આનંદના પાપમાં પડે છે. જ્યારે તે ઈશ્વરને ભૂલી ગયો ત્યારે તે કોના જેવો હતો? ત્યારે તે દુષ્ટ જેવો હતો. તેણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિ ઉરિયાને મારી નાંખ્યો, પરંતુ દાઉદે પોતાનામાં રહેલી દુષ્ટતાને જોઈ નહિ. પણ તેણે તેના દુષ્ટ કૃત્યોને ઢાંકવા બહાના બનાવ્યા.
એક દિવસ નાથાન પ્રબોધક તેની પાસે આવ્યો અને બોલ્યો, “એક નગરમાં બે માણસ હતાં, એક શ્રીમંત ને બીજો દરિદ્રી. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટાં તથા ઢોરઢાંક હતાં; પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું; તેણે તે વેચાતી લઈને પાળી હતી; તે તેની સાથે ને તેનાં છોકરાં સાથે ઊછરી હતી; તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી, ને તેની ગોદમાં તે સૂતી હતી, ને તે તેને દીકરી સમાન હતી, તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. પોતાને ત્યાં આવેલા વટેમાર્ગુને સારુ રંધાવા માટે તેણે પોતાનાં ઘેટાં તથા ઢોરમાંથી કંઈ લીધું નહિ; પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લઈ લીધી, ને પોતાને ત્યાં આવેલા માણસને સારુ તે રાંધી” (૨ શમુએલ ૧૨:૧-૪).
દાઉદે કહ્યું, “જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે!” તેનો ક્રોધ સળગી ઉઠે છે, તેથી તે કહે છે, “તેની પાસે તેના પોતાના ઘણાં હતાં; તે તેમાંથી લઈ શકતો હતો. પણ તેના બદલે, તે પોતાના મહેમાન માટે પેલાં દરિદ્ર માણસની એકનીએક ઘેટી લઈલે છે. તે મરણ પામવા યોગ્ય છે!” પછી નાથાન તેને કહે છે, “તે માણસ તું જ છે.” જો આપણે ઈસુને નહિ અનુસરીએ અને તેની સાથે નહિ રહીએ તો, નવો જન્મ પામેલા લોકો પણ આવા પાપ કરી શકે છે.
આ બધા માટે સરખું જ છે, વિશ્વાસું માટે પણ. આપણે ઈસુ વગર ઠોકર ખાઈએ છીએ અને દુષ્ટ કૃત્યો કરીએ છીએ. તેથી આપણે આજે પણ ઈશ્વરના આભારી છીએ કે, ઈસુએ આપણી અંદર દુષ્ટતા હોવા છતાં આપણને બચાવી લીધા. “હું વધસ્તંભની છાયા હેઠળ આરામ કરવા માંગું છું” આપણા હૃદયો ઈસુમાં છૂટકારાની છાયા હેઠળ આરામ કરે છે, પરંતુ જો આપણે આ છાયાને છોડીને પોતાની તરફ જોઈશું તો કદી પણ આરામ નહિ કરી શકીએ.
ઈશ્વરે આપણને નિયમો પહેલાં વિશ્વાસનું ન્યાયીપણું આપ્યું છે
પહેલા શું અનુસરવું જોઈએ, વિશ્વાસ કે નિયમ?
વિશ્વાસ
પ્રેરિત પાઉલ કહે છે કે ઈશ્વરે આપણને શુરુઆતથી જ વિશ્વાસનું ન્યાયીપણું આપ્યું છે. તેણે તે આદમ અને હવાને, કાઈન અને હાબેલને, શેથ અને હનોખને, નૂહને, અબ્રાહમને, ઈસહાકને અને છેલ્લે યાકૂબ અને તેના બાર દીકરાઓને આપ્યું. નિયમો વગર પણ તેઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ રાખીને ઈશ્વર સમક્ષ ન્યાયી ઠર્યા. ઈશ્વરના વચનો પર વિશ્વાસ રાખવા દ્વારા તેઓ આશીર્વાદિત થયા અને તેઓને આરામ આપવામાં આવ્યો.
સમય પસાર થયો અને યુસુફના કારણે યાકૂબના વંશજો ૪૦૦ વર્ષ સુધી મિસરની ગુલામીમાં પોતાનું જીવન જીવ્યા. પછી, ઈશ્વર મૂસા દ્વારા તેઓને ત્યાંથી કાઢીને કનાન દેશમાં લઈને આવ્યો. જો કે, ૪૦૦ વર્ષોની ગુલામીમાં તેઓ વિશ્વાસનું ન્યાયીપણું ભૂલી ગયા હતાં.
તેથી ઈશ્વર તેઓને ચમત્કારથી લાલ સમુદ્ર પાર કરાવીને અરણ્યમાં લઈ ગયા. જયારે તેઓ પાપના અરણ્યમાં પહોંચ્યા, ત્યારે સિનાઈ પર્વત પર તેણે તેઓને નિયમો આપ્યાં. તેણે તેઓને નિયમો આપ્યા, જેમાં દશ આજ્ઞાઓ અને ૬૧૩ વિગતવાર કલમોનો સમાવેશ થાય છે. ઈશ્વરે જાહેર કર્યું, “હું તમારો દેવ અને તમારો ઈશ્વર છું, હું અબ્રાહમ, ઈસહાક, અને યાકૂબનો દેવ છું. મૂસાને સિનાઈ પર્વત પર આવવા દો, અને હું તમને આજ્ઞાઓ આપીશ.” પછી, ઈશ્વરે ઈસ્રાએલને નિયમો આપ્યા.
ઈશ્વરે તેઓને નિયમો આપ્યા જેથી તેઓને ‘પાપનું ભાન થાય’ (રોમન ૩:૨૦). આમ કરવાનો ઈશ્વરનો ઉદ્દેશ્ય એ હતો કે, લોકો જાણે કે ઈશ્વરને શું ગમે છે અને શું નથી ગમતું અને પોતાનું ન્યાયીપણું અને પવિત્રતા પ્રગટ થાય.
મિસરમાં ૪૦૦ વર્ષની ગુલામીમાં ઈસ્રાએલના જેટલા લોકો હતાં તે બધા લાલ સમુદ્ર પાર કરી ગયા હતાં. અબ્રાહમ, ઈસહાક, અને યાકૂબના દેવ સાથે તેઓની મુલાકાત ક્યારેય થઈ ન હતી. તેઓ ઈશ્વરને ઓળખાતા ન હતાં.
જ્યારે તેઓ ૪૦૦ વર્ષોની ગુલામીમાં જીવતા હતા ત્યારે તેઓ ઈશ્વરનું ન્યાયીપણું ભૂલી ગયા હતાં. તે સમયે, તેઓની પાસે કોઈ આગેવાન ન હતો. યાકૂબ અને યુસુફ તેઓના આગેવાનો હતાં, પરંતુ તેઓ ઘણાં સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતાં. એવું લાગે છે કે યુસુફ તેના બે દીકરાઓ મનાશ્શાહ અને એફ્રાઈમને વિશ્વાસ વિષે શીખવવામાં નિષ્ફળ નીવડ્યો હતો.
તેથી, તેઓને તેમનાં ઈશ્વરને ફરીથી શોધીને તેમની મુલાકાત કરવાની જરૂર હતી કેમ કે તેઓ ઈશ્વરના ન્યાયીણાને ભૂલી ગયા હતાં. આપણે યાદ રાખવાનું છે કે જ્યારે તેઓ વિશ્વાસને ભૂલી ગયા ત્યાર બાદ ઈશ્વરે પહેલાં તેઓને વિશ્વાસનું ન્યાયીપણું આપ્યું અને પછી નિયમો આપ્યા. ઈશ્વરે તેઓને નિયમો આપ્યાં જેથી તેઓ તેમની પાસે પાછા ફરી શકે.
ઈસ્રાએલને બચાવવા માટે અને તેઓને પોતાના લોક બનાવવા માટે ઈશ્વરે તેઓને સુન્નત કરાવવાની આજ્ઞા આપી.
તેઓને બોલાવવા પાછળનો ઈશ્વરનો ઉદ્દેશ્ય એ હતો કે તેઓ જાણે કે નિયમોની સ્થાપના દ્વારા જ ઈશ્વરનું અસ્તિત્વ છે, બીજું એ કે તેઓ જાણે કે તેઓ ઈશ્વરની સમક્ષ પાપી છે. ઈશ્વર ઈચ્છતા હતાં કે તેઓ તેમની સમક્ષ આવે અને તેમણે આપેલી બલિદાનની પદ્ધતિ દ્વારા તેઓનો છૂટકારો થાય અને તેઓ ઈશ્વરના લોક બને. અને આમ ઈશ્વરે તેઓને પોતાના લોક બનાવ્યાં.
ઈસ્રાએલના લોકોનો છૂટકારો નિયમની બલિદાનની પદ્ધતિ દ્વારા આવનારા મસીહા પર વિશ્વાસ મૂકવા દ્વારા થયો. પરંતુ સમય જતા બલિદાનની પદ્ધતિ પણ લોપ થઈ ગઈ. આવો જોઈએ આવું ક્યારે બન્યું.
લૂક ૧૦:૨૫માં, ઈસુનું પરીક્ષણ કરનારા પંડિતનો ઉલ્લેખ કર્યો છે. તે પંડિત ફરોશી હતો. ફરોશીઓ અત્યંત રૂઢીચુસ્ત હતાં જેઓ ઈશ્વરના વચનો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતા હતાં. તેઓએ પહેલા દેશને બચાવવાનો પ્રયત્ન કર્યો અને પછી ઈશ્વરના નિયમોનું પાલન કરતાં હતાં. પછી, એવા પણ ઉત્સાહીઓ હતાં, જેઓ ખૂબ જ વ્યગ્ર હતાં અને તેઓના દર્શનને પૂરું કરવા માટે હિંસાનો આશરો લેવાનું વલણ ધરાવતા હતા, રોમથી ઈસ્રાએલને સ્વતંત્રતા.
સુ કોને મળવા માગતા હતાં?
ઘેટાંપાળક વગરના પાપીઓને
આજે પણ તેઓ જેવા કેટલાંક ધાર્મિક આગેવાનો છે. તેઓ “સંસારના પીડિત લોકોને બચાવો” જેવા સૂત્રો સાથે સામાજિક ચળવળોની દોરવણી કરે છે. તેઓ માને છે કે ઈસુ ગરીબ અને પીડિત લોકોને બચાવવા આવ્યો હતો. તેથી, વિદ્યાશાળાઓમાં ભણ્યાં પછી, તેઓ રાજનીતિ માં ભાગ લે છે અને સમાજના દરેક ક્ષેત્રે ‘વંચિત લોકોને છોડાવવાના’ પ્રયત્નો કરે છે.
તેઓ તે જ લોકો છે જે આગ્રહ રાખે છે કે, “આવો આપણે બધાં પવિત્ર અને કૃપાળુ નિયમ વડે જીવન જીવીએ...તેમના વચનો દ્વારા નિયમ પ્રમાણે જીવીએ.” પરંતુ હકીકતમાં તેઓ નિયમનો ખરો અર્થ સમજતા જ નથી. તેઓ નિયમના શબ્દો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે પણ નિયમના દૈવીય પ્રકટીકરણને સમજી શકતા નથી.
તેથી, આપણે કહી શકીએ કે ખ્રિસ્તના ૪૦૦ વર્ષ પહેલા ઈસ્રાએલમાં કોઈ પ્રબોધકો કે ઈશ્વરના સેવકો ન હતાં. આ કારણથી, તેઓ ઘેટાંપાળક વગરના ઘેટાંના ટોળા જેવા થઈ ગયા હતાં.
તેઓ પાસે ન તો નિયમ હતો કે ન તો સાચો આગેવાન હતો. ઈશ્વરે તે સમયના ઢોંગી ધાર્મિક આગેવાનો મારફતે પોતાને પ્રગટ ન હોતા કર્યા. દેશ રોમન સામ્રાજ્યની વસાહત બની ગયો હતો. તેથી, ઈસુએ અરણ્યમાં તેમની પાછળ આવનારા ઈસ્રાએલના લોકોને કહ્યું કે તે તેઓને ભૂખ્યાં પાછા નહિ મોકલે. તેને ઘેટાંપાળક વગરના ટોળા પર દયા આવી કેમ કે તે સમયે એવાં ઘણાં લોકો હતાં જેઓ યાતનામાં હતાં.
પંડિતો અને એવો હોદ્દો ધરાવતાં બીજા લોકો મૂળભૂત રીતે તે જ હતાં જેઓ પાસે હસ્તગત વિશેષાધિકારો હતાં; ફરોશીઓ યહૂદી ધર્મના રૂઢિવાદી વંશના હતાં. તેઓ ખુબજ અભિમાની હતાં.
આ પંડિત ઈસુને લૂક ૧૦:૨૫માં પૂછે છે, “અનંતજીવનનો વારસો પામવા મારે શું કરવું?” તે કદાચ એવું વિચારતો હશે કે ઈસ્રાએલમાં તેનાથી ચડિયાતું બીજું કોઈ નથી. તેથી આ પંડિતે (જેણે હજી છૂટકારો પ્રાપ્ત નહોતો કર્યો) તેને પડકાર આપ્યો, અને કહ્યું, “અનંતજીવનનો વારસો પામવા મારે શું કરવું?”
પંડિત એ આપણી જાતનું પ્રતિબિંબ છે. તેણે ઈસુને પૂછ્યું, “અનંતજીવનનો વારસો પામવા મારે શું કરવું?” ઈસુએ ઉત્તર આપ્યો, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?”
તેથી તે પંડિતે ઉત્તર આપ્યો, “તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો; અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો.]”
ઈસુએ તેણે કહ્યું, “તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર, એટલે તું જીવશે.”
તે પોતે દુષ્ટ છે, પાપનો ગઠ્ઠો છે જે ક્યારેય સારું કરી શકતો નથી તે જાણ્યા વગર તે ઈસુને પડકારે છે. તેથી ઈસુ તેને પૂછે છે, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?”
તમે નિયમશાસ્ત્રમાં શું વાંચો છો?
આપણે પાપી છીએ જે ક્યારેય નિયમશાસ્ત્રને પાળતા નથી.
“તું શું વાંચે છે?” આ ભાગ દ્વારા ઈસુ તમને, મને અને બધાને પૂછે છે કે કોઈ વ્યક્તિ નિયમશાસ્ત્રને કઈ રીતે જાણી શકે અને સમજી શકે.
જેમ ઘણાં લોકો આજકાલ કરે છે તેમ, આ પંડિતે પણ વિચાર્યું કે ઈશ્વરે તેને નિયમો પાળવા માટે આપ્યા છે. તેથી તે ઉત્તર આપે છે, તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો; અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો.]”
નિયમો ખામી રહિત હતાં. તેણે આપણને સંપૂર્ણ નિયમ આપ્યો છે. તેણે આપણને કહ્યું છે કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખ અને જેવો તારા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખ. ઈશ્વર પર આપણા ખરા હૃદય અને સામર્થ્યથી પ્રેમ રાખવો એ સાચી વાત છે, પણ આ એક પવિત્ર આજ્ઞા છે જે ક્યારેય પાળી શકાતી નથી.
“તું શું વાંચે છે?” નો અર્થ થાય છે કે નિયમશાસ્ત્ર સાચું અને ખરું છે, પણ તમે તેને કઈ રીતે સમજો છો? પંડિતે વિચાર્યું કે ઈશ્વરે તેને નિયમ પાળવા માટે આપ્યા છે. જોકે, આપણને ઈશ્વરના નિયમો આપવામાં આવ્યાં જેથી સંપૂર્ણપણે આપણી દુષ્ટતાને ખુલ્લી પાડવા દ્વારા આપણે આપણી ખામીઓને જાણી શકીએ. “તે પાપ કર્યું છે. મેં તને ખૂન કરવાની ના પાડી હતી છતાં તે ખૂન કર્યું છે. શા માટે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું?”
નિયમ માણસોનાં હૃદયમાં રહેલાં પાપોને ખુલ્લું પાડે છે. ચાલો ધારો કે હું અહીંયા આવવા માટે મારા માર્ગ પર હતો, મેં ખેતરમાં કેટલાંક પાકેલા તરબૂચ જોયા. ઈશ્વરે નિયમ દ્વારા મને ચેતવણી આપી, “ખાવાં માટે તે તરબૂચને તોડીશ નહિ. જો તું એવું કરીશ તો મારાં માટે શરમજનક થશે.” “હા, પિતા.” “ખેતર તો ફલાણા ફલાણા ભાઈનું છે, તેથી, તારે તેને તોડવું જોઈએ નહિ.” “હા, પિતા.”
જે ક્ષણે આપણે સાંભળીએ કે આપણે તેમાનું તોડવાનું નથી, ત્યારે આપણને તે તોડવામાં રૂચી લાગે છે. જો આપણે સ્પ્રિંગને દબાવીએ, તો પ્રતિક્રિયામાં તે ઉછળશે. માણસોના પાપો તેવાં જ છે.
ઈશ્વરે આપણને દુષ્ટ કાર્યો કરવાની ના પાડી છે. ઈશ્વર તેવું કહી શકે છે કારણકે તે પવિત્ર, સંપૂર્ણ છે અને તેવું કરવાની તેમની ક્ષમતા છે. બીજી બાજુ, આપણે ‘ક્યારેય’ પાપ કર્યા વગર રહી ન શકીએ અને ‘ક્યારેય’ શુદ્ધપણે સારા ન બની શકીએ. આપણાં હૃદયમાં ‘ક્યારેય’ સારું હોય શકે નહિ. નિયમ ‘ક્યારેય’ શબ્દ સાથે નિર્ધારિત થયેલો છે. શા માટે? કેમ કે માણસોના હૃદયમાં વાસના ભરેલી છે. આપણે આપણી વાસના અનુસાર કાર્ય કરીએ છીએ. આપણે વ્યભિચાર કરીએ છીએ કેમ કે આપણાં હૃદયોમાં વ્યભિચાર ભરાયેલો છે.
આપણે બાઈબલને કાળજીપૂર્વક વાંચવું જોઈએ. જ્યારે પહેલીવાર મેં પ્રયાસ કર્યો, ત્યારે મેં વચનનું શબ્દમાં વિશ્લેષણ કર્યું. મેં વાંચ્યું કે ઈસુ મારા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યાં અને હું આંસુઓને વહેતા રોકી ન શક્યો. હું તો કેટલો દુષ્ટ વ્યક્તિ હતો અને તે મારાં માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો....મારાં હૃદયમાં ભયંકર વેદના થઈ અને મેં તેનાં પર વિશ્વાસ કર્યો. પછી મેં વિચાર્યું, ‘જો હું વિશ્વાસ કરીશ, તો વચન અનુસાર જ વિશ્વાસ કરીશ.’
જ્યારે હું નિર્ગમન ૨૦ વાંચતો હતો, તેમાં કહ્યું છે, “મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.” મેં આ અજ્ઞા અનુસાર પસ્તાવાની પ્રાર્થના કરી. મેં મારાં સ્મરણોમાં શોધવાનું શરુ કર્યું કે તેમની સમક્ષ મારાં બીજા કોઈ દેવ તો નથી ને, કે હું ક્યારેય બીજા દેવો આગળ નમ્યોતો નથી ને. મને ભાન થયું કે હું મારા પૂર્વજોના સન્માનની ધાર્મિક ક્રિયામાં ઘણી વાર બીજા દેવો આગળ નમ્યો છું. બીજા દેવો રાખવાથી મેં પાપ કર્યું છે.
તેથી મેં પસ્તાવા સાથે પ્રાર્થના કરી, “પ્રભુ, મેં મૂર્તિઓની આરાધના કરી છે. તે માટે મારો ન્યાય થવો જોઈએ. મહેરબાની કરીને મારા પાપોને માફ કરો. હું આવું બીજીવાર નહિ કરું.” ત્યારબાદ, એક પાપનું નિવારણ થયું.
પછી મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે મેં તેનું નામ ક્યારેય વ્યર્થ તો નથી લીધું ને. પછી, મને યાદ આવ્યું કે જ્યારે મેં પહેલીવાર ઈશ્વર પર વિશ્વાસ કરવાનું શરુ કર્યું હતું ત્યારે હું ધુમ્રપાન કરતો હતો. મારા મિત્રએ મને કહ્યું હતું, “શું તું ધુમ્રપાન કરવાં દ્વારા ઈશ્વરનું નામ શરમમાં નથી નાખતો? ખ્રિસ્તી ધુમ્રપાન કેવી રીતે કરી શકે?
તે તેના નામને વ્યર્થમાં લેવા સમાન બાબત છે, શું તે નથી? તેથી મેં ફરીથી પ્રાર્થના કરી, “પ્રભુ, મેં તારા નામને વ્યર્થમાં લીધું છે. મહેરબાની કરીને મને માફ કર. હું ધુમ્રપાન કરવાનું છોડી દઈશ.” તેથી મેં ધુમ્રપાન છોડી દેવાનો પ્રયત્ન કર્યો પણ ચાલુ રાખ્યું, એક વર્ષ સુધી ચાલુ અને બંધ રાખ્યું. તે ખરેખર ખુબજ મુશ્કેલ હતું, લગભગ ધુમ્રપાન છોડવું અશક્ય હતું. પણ અંતમાં, મેં સંપૂર્ણપણે ધુમ્રપાન છોડી દીધું. મને એવું અનુભવાયું કે બીજા પાપનું પણ નિવારણ થઈ ગયું.
હવે બીજી બાબત હતી “સાબ્બાથ દિનને પવિત્ર પાળ.” તેનો અર્થ છે મારે રવિવારે બીજું કશું કાર્ય કરવું જોઈએ નહિ; કામ કે પૈસા કમાવવા....તેથી મેં તે પણ બંધ કર્યું.
ત્યારબાદ હતું “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” જ્યારે હું દૂર હોઉં ત્યારે હું સન્માન રાખતો, પણ જ્યારે હું નજીક હોઉં ત્યારે આઘાત રૂપ બની જતું. “હે પ્રભુ, મેં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે. મહેરબાની કરીને મને માફ કરો, પ્રભુ.” મેં પસ્તાવા સાથે પ્રાર્થના કરી.
પણ હું મારા માતાપિતાનું વધારે સમય સુધી સન્માન ન રાખી શક્યો કેમ કે તે સમય દરમિયાન તેઓ બંને મૃત્યુ પામ્યાં હતાં. હું શું કરી શકું? “પ્રભુ, મહેરબાની કરીને આ નકામા પાપીને માફ કરો. તું મારા માટે વધસ્તંભ પર મર્યો છે.” હું કેટલો આભારી હતો!
આ રીતે, મેં વિચાર્યું કે મેં એક પછી એક મારાં પાપોનું નિવારણ કર્યું. બીજા નિયમો પણ હતાં જેવા કે ખૂન ન કર, વ્યભિચાર ન કર, લોભ ન કર....જે દિવસ સુધી મને ભાન ન થયું કે મેં એક પણ આજ્ઞા પાળી નથી, મેં દરરોજ આખી રાત પ્રાર્થના કરી. પણ તમે જાણો છે, પસ્તાવાસાથેની પ્રાર્થનામાં આનંદ માણી શકાતો નથી. આવો તેના વિષે વાત કરીએ.
જ્યારે હું ઈસુના ક્રૂસારોહણ વિષે વિચારતો, ત્યારે તે કેટલું પીડાદાયક હતું તે સહાનુભુતિ અનુભવી શકતો. અને તે આપણાં માટે મર્યો જે તેમના વચન અનુસાર જીવન નથી જીવી શકતા. હું આખી રાત એ વિચારતા રડ્યો કે તેણે મને કેવો પ્રેમ કર્યો અને મને ખરો આનંદ આપવા બદલ તેનો આભાર માન્યો.
મંડળીમાં ભાગ લેવા માટેનું મારું પહેલું વર્ષ સામાન્ય રીતે ખુબજ સરળ હતું પરંતુ પછીના થોડાંક વર્ષો સુધી પસ્તાવામાં રડવું મારા માટે વધારે ને વધારે કઠીન બની ગયું કારણકે આંસુઓ સારવા માટે ઘણું વિચારવું પડતું હતું ત્યાર પછી મેં તે ઘણીવાર કર્યું.
જ્યારે આંસુ હજુ પણ ન આવ્યા, ત્યારે ઘણીવાર હું પ્રાર્થના કરવા માટે પર્વતોમાં જતો રહેતો અને ૩ દિવસ સુધી ઉપવાસ કરતો. ત્યારે, આંસુઓ આવતા. હું મારા આંસુઓમાં ડૂબી ગયો, સમાજમાં પાછો આવ્યો, અને મંડળીમાં રડ્યો.
મારી આસપાસના લોકોએ કહ્યું, “તમે પર્વતમાં તમારી પ્રાર્થનાઓથી ખુબજ પવિત્ર બન્યા છો.” પણ અનિવાર્યપણે આંસુઓ ફરીથી સુકાઈ ગયા. ત્રીજું વર્ષ ખરેખર ખુબજ કઠીન બન્યું. હું મારા મિત્રો અને સાથી ખ્રિસ્તીઓ સાથે કરેલાં ખરાબ કાર્યો વિષે વિચારતો અને ફરીથી રડતો. આનાં ચાર વર્ષો પછી, આંસુઓ ફરીથી સુકાઈ ગયા, મારી આંખોમાં આંસુ ગ્રંથીઓ હતી, પણ તે હવે કામ કરતી નહોતી.
૫ વર્ષ પછી, હું ગમે તેટલાં પ્રયત્નો કરતો, પણ હું રડી શકતો ન હતો. મારું નાક વહેવા લાગતું. આનાં કેટલાંક વર્ષો પછી, મને મારી જાત સાથે અણગમો થઈ ગયો, તેથી ઈશ્વરે મને ફરીથી બાઈબલ તરફ વાળ્યો.
નિયમ પાપનાં જ્ઞાન માટે છે
નિયમો વિષે આપણને શું ભાન થવું જોઈએ?
આપણે ક્યારેય નિયમોને પાળી શકતા નથી.
રોમન ૩:૨૦માં આપણે વાંચીએ છીએ, “નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.” શરૂઆતમાં, મેં આ વચનને પ્રેરિત પાઉલના વ્યક્તિગત સંદેશ તરીકે ગણ્યો અને ફક્ત પસંદ કરેલાં શબ્દો પર વિશ્વાસ કરવાનો પ્રયત્ન કર્યો. પણ મારાં આંસુઓ સુકાઈ ગયા પછી, હું મારાં વિશ્વાસના ધાર્મિક જીવનને ચાલું રાખી શક્યો નહિ.
તેથી, મેં વારંવાર પાપ કર્યું અને જાણ્યું કે મારા હૃદયમાં પાપ છે તેથી નિયમ અનુસાર જીવન જીવવું અશક્ય છે. હું તે સહન કરી શક્યો નહિ, પણ હું નિયમ પણ છોડી શક્યો નહિ કેમ કે હું માનતો હતો કે તે આપણને પાળવા માટે આપ્યાં છે. અંતમાં, હું પંડિત બની ગયો, પવિત્રશાસ્ત્રમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવો. વિશ્વાસનું જીવન જીવવું મારા માટે ખુબજ કઠીન બની ગયું.
મેં ઘણાં બધા પાપ કર્યા હતાં, જ્યારે હું નિયમ વાંચી રહ્યો હતો ત્યારે, જ્યારે જ્યારે મેં દસ આજ્ઞાઓને મારાં હૃદયમાં તોડી હતી તે બધાનું મને ભાન થવાનું શરુ થયું. હૃદયમાં પાપ કરવું એ પણ પાપ છે, અને હું અજાણતાં જ નિયમો પર વિશ્વાસ કરનારો વ્યક્તિ બની ગયો.
જ્યારે મેં નિયમો પાળ્યાં, ત્યારે હું ખુશ હતો. પણ જ્યારે હું નિયમો પાળી ન શક્યો, ત્યારે હું તુચ્છ, ખીજવાયેલો અને દુ:ખી બની ગયો. આખરે, હું તે બધાથી ભયાવહ બની ગયો. કેટલું સરળ હોત જો મને શરૂઆતથી જ નિયમનું સાચું જ્ઞાન શીખવવામાં આવ્યું હોત, “ના, ના નિયમનો બીજો અર્થ પણ વછે. જે બતાવે છે કે તમે પાપનો ગઠ્ઠો છો; તમે પૈસાને, જાતીય આકર્ષણ અને દેખાવમાં જે સુંદર છે તેવી વસ્તુઓને પ્રેમ કરો છો. તમારી પાસે એવી વસ્તુઓ છે જેને તમે ઈશ્વર કરતા વધારે પ્રેમ કરો છો. તમે સંસારની વસ્તુઓને અનુસરવા માગો છો. નિયમ તમને આપવામાં આવ્યા, પાળવા માટે નહિ, પણ તમારી જાતને ઓળખવા માટે કે તમારાં હૃદયમાં દુષ્ટતા સાથે તમે પાપી છો.”
જો ફક્ત કોઈએ મને સત્ય શીખવ્યું હોત, તો મારે ૧૦ વર્ષો સુધી સહન કરવું પડ્યું નહોત. આમ, મને આ અનુભૂતિ થઈ તે પહેલાં ૧૦ વર્ષો સુધી હું નિયમ હેઠળ જીવ્યો.
ચોથી આજ્ઞા છે, “સાબ્બાથ દિનને પવિત્ર પાળ.” તેનો અર્થ છે આપણે સાબ્બાથ દિવસે કાર્ય કરવું જોઈએ નહિ. તેઓ શીખવે છે કે જો આપણે રવિવારે લાંબી મુસાફરી કરીએ તો આપણે સવારી કરવી નહિ, પણ ચાલીને જવું. મેં વિચાર્યું કે જે સ્થળે મારે પ્રચાર કરવાનો હતો ત્યાં ચાલીને જવું વધુ યોગ્ય અને માનનીય બનશે. છેવટે, હું નિયમનો પ્રચાર જ કરવાનો હતો. આમ, મને લાગ્યું કે હું જે પ્રચાર કરું છું તે મારે અમલમાં પણ લાવવાનો છો. તે ખુબજ મુશ્કેલ હતું કે હું છોડવાની તૈયારીમાં હતો.
જેમ અહીંયા નોંધવામાં આવ્યું છે, “તું શું વાંચે છે?” હું આ પ્રશ્નને સમજી ન શક્યો અને ૧૦ વર્ષો સુધી સહન કર્યું. પંડિતને પણ સમજાયું ન હતું. તેણે વિચાર્યું કે જો તે નિયમ પાળશે અને સાવધાની પૂર્વક જીવશે, તો તે ઈશ્વર આગળ આશીર્વાદિત થશે.
પણ ઈસુએ તેણે કહ્યું, “તું શું વાંચે છે?” તે વ્યક્તિએ તેના કાયદેસરના વિશ્વાસ અનુસાર ઉત્તર આપ્યો. અને તેણે તે વ્યક્તિને કહ્યું, “હા, તે સાચો ઉત્તર આપ્યો; જેમ લખ્યું છે તેમ જ તું વાત કરે છે. પ્રયત્ન કર અને તેને પાળ. જો તું તેમ કરીશ તો તું જીવશે, પણ જો તેમ નહિ કરે તો મરશે. પાપનો મુસારો મરણ છે. જો તું તેમ નહિ કરે તો તું મરશે.” (જીવનનું વિરોધી મૃત્યુ છે, શું તે નથી?)
પણ પંડિત હજુ સમજી શક્યો નહિ. આ પંડિત આપણાં દરેકના જેવો છે, તમારા અને મારા જેવો. મેં ૧૦ વર્ષ સુધી ધર્મવિદ્યાનો અભ્યાસ કર્યો. મેં બધા જ પ્રયત્નો કર્યા, બધું જ વાંચ્યું અને બધું જ કર્યું: ઉપવાસ કર્યા, ભ્રમણાઓ સેવી, અન્ય ભાષાઓમાં બોલ્યો....વગેરે. મેં ૧૦ વર્ષ સુધી બાઈબલ વાંચ્યું અને કંઈક પૂરું થવાની અપેક્ષા રાખી. પણ આત્મિક રીતે, હું હજું આંધળો હતો.
એટલાં માટે જ પાપીઓએ કોઈક એવા વ્યક્તિને મળવું જ જોઈએ જે તેઓની આંખો ઉઘાડે, અને તે કોઈ વ્યક્તિ આપણાં પ્રભુ ઈસુ છે. પછી, વ્યક્તિને ભાન થાય છે કે “અરે! આપણે ક્યારેય નિયમો પાળી શકતા નથી. ફર્ક નથી પડતો કે આપણે નિયમો પાળવા કેટલાં સખત પ્રયત્નો કેમ ના કર્યા હોય, પ્રયત્નો કરવા દ્વારા આપણે ફક્ત મૃત્યુ પામીએ છીએ. પણ ઈસુ પાણી અને આત્મા દ્વારા આપણને બચાવવાં આવ્યા! હાલ્લેલુયા!” પાણી અને આત્મા આપણને બચાવી શકે છે. તે કૃપા છે, ઈશ્વરની ભેંટ. તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ.
હું એટલો નસીબદાર હતો કે કાયદેસરની નિરાશાજનક અવસ્થામાંથી બહાર આવી શક્યો, પણ કેટલાક લોકો આખું જીવન ધર્મવિદ્યાના અભ્યાસમાં બરબાદ કરી નાંખે છે અને મૃત્યુના દિવસ સુધી તેઓને સત્યનું ભાન થતું નથી. કેટલાંક લોકો દાયકાઓ સુધી કે પેઢી દર પેઢી વિશ્વાસ કરે છે, પણ ક્યારેય નવો જન્મ પામી શકતા નથી.
જ્યારે આપણને ભાન થાય છે કે આપણે ક્યારેય નિયમોને પાળી શકતા નથી ત્યારે જ આપણે પાપી બનવાથી અટકી શકીએ છીએ, પછી ઈસુ સમક્ષ ઉભા રહીને પાણી અને આત્માની સુવાર્તા સાંભળીએ છીએ. જ્યારે આપણે ઈસુને મળીએ છીએ, ત્યારે આપણે સઘળાં ન્યાય અને સર્વનાશથી મુક્ત થઈએ છીએ. આપણે સૌથી ખરાબ પાપીઓ છીએ, પણ આપણે ન્યાયી બની શકીએ છીએ કારણકે તેણે પાણી અને રક્ત દ્વારા આપણને બચાવ્યાં છે.
ઈસુએ આપણને કહ્યું કે આપણે તેમની ઈચ્છા અનુસાર જીવ્યા નથી. તેણે આ વાત પંડિતને કહી હતી, પણ તે સમજી શક્યો નહિ. તેથી ઈસુએ તેને સમજાવવા માટે એક વાર્તા કહી.
વિશ્વાસના જીવનમાંથી માણસના પડી જવાનું કારણ શું છે?
પાપ
“એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા” (લૂક ૧૦:૩૦). આ માણસને લૂંટારાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને અધમૂઓ કરી દેવામાં આવ્યો હતો, તેમ જ પંડિતે આખી જીંદગી સહન કર્યું છે તે હકીકતથી જાગૃત કરવા માટે ઈસુએ તેને આ દ્રષ્ટાંત કહ્યું.
એક પુરુષ યરુશાલેમથી યારીખો જતો હતો. યરીખો સાંસારિક દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે યરુશાલેમ ધાર્મિક શહેર, વિશ્વાસનું શહેર, જે નિયમોની ડંફાસ મારનારાઓથી ભરેલું છે તેનું પ્રતિનિધિત્વ કરે છે. આ વાર્તા આપણને કહે છે કે જો આપણે ફક્ત ધાર્મિક રીતે ઈસુ પર વિશ્વાસ કરીશું, તો આપણે નાશ થઈ જઈશું.
“એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા” યરુશાલેમ વધારે વસ્તી ધરાવતું મોટું શહેર હતું. ત્યાં મહાયાજક, યાજકોનું ટોળું, લેવિયો અને બીજા ઘણાં બધાં આગળ પડતા ધાર્મિક માણસો હતાં. ત્યાં ઘણાં બધા એવા લોકો હતાં જેઓ નિયમોને જાણતા હતાં. ત્યાં, તેઓએ નિયમ અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કર્યો, પણ આખરે નિષ્ફળ ગયા અને યરીખો તરફ આગળ વધ્યા. તેઓ સંસારમાં (યરીખો) પડતાં ગયા અને ચોરોના હાથમાં પડવાનું ટાળી શક્યા નહિ.
તે માણસ પણ યરુશાલેમ થી યરીખોના માર્ગ પર લૂંટારાઓના હાથમાં પડ્યો અને તેના કપડાં ઉતારી લેવામાં આવ્યા. ‘તેનાં લૂગડાં ઉતારી લીધા’ નો અર્થ છે કે તેણે તેની ધાર્મિકતા ગુમાવી દીધી. આપણાં માટે નિયમો દ્વારા અને નિયમો અનુસાર જીવવું અશક્ય છે. રોમન ૭:૧૯-૨૦માં પ્રેરિત પાઉલ કહે છે, “કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે”.
હું ઈચ્છું છું કે હું સારું કરી શકું અને તેના વચનોમાં જીવી શકું. પણ માણસોના હૃદયમાં ભૂંડા વિચારો, વ્યભિચાર, છિનાળાં, હત્યાઓ, ચોરી, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, કુદ્રષ્ટિ, નિંદા, અભિમાન, અને મૂર્ખતા રહેલાં છે (માર્ક ૭:૨૧-૨૩).
તેઓ આપણાં હૃદયમાં છે અને ગમે ત્યારે બહાર નીકળે છે, તેથી આપણે તે કરીએ છીએ જે આપણે ન કરવું જોઈએ અને આપણે તે નથી કરતા જે આપણે કરવું જોઈએ. આપણે દુષ્ટતાને આપણાં હૃદયમાં પુનરાવર્તન કરતા રહીએ છીએ. શેતાનને જે કરવાનું છે તે એ છે કે આપણને પાપ કરવાની નાની ઉત્તેજના આપવાની છે.
દરેક મનુષ્યજાતિના હૃદયમાં રહેલાં પાપો
શું આપણે નિયમ દ્વારા જીવી શકીએ?
ના
માર્ક ૭માં કહેવામાં આવ્યું છે, “માણસમાં જે જે બહારથી પેસે છે તે તેણે વટાળી શકતું નથી; માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”
ઈસુ આપણને કહે છે કે માણસનાં હૃદયમાં ભૂંડા વિચારો, વ્યભિચાર, છિનાળાં, હત્યાઓ, ચોરી, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, કુદ્રષ્ટિ, નિંદા, અભિમાન, અને મૂર્ખતા રહેલાં છે.
આપણે સઘળાંએ આપણાં હૃદયમાં હત્યા કરી છે. એવું કોઈ પણ નથી જેણે હત્યા ન કરી હોય. માતાઓ તેમનાં બાળકો તરફ બૂમ પાડે છે, “ના. એવું કરીશ નહિ. મેં તને કહું હતું એવું કરીશ નહિ, ધિક્કાર છે તને. મેં તને વારંવાર કહ્યું કે એવું કરીશ નહિ. જો તું હવે બીજીવાર એવું કરીશ તો હું તને મારી નાખીસ. મેં કહ્યું કે એવું કરીશ નહિ.” તે હત્યા છે. કદાચ તમે તમારાં વિચારવિહીન શબ્દોથી તમારાં મનમાં જ તમારાં બાળકોને મારી નાખ્યાં હશે.
આપણાં બાળકો હયાત હોવા જોઈએ કારણકે તેઓ સરળતાથી આપણી પાસેથી ભાગી જાય છે; પણ જો આપણે આપણો બધો જ ગુસ્સો તેમનાં પર ઠાલવ્યો હોત, તો આપણે કદાચ તેમને મારી નાખ્યાં હોત. ઘણીવાર આપણે પોતાને જ ડારાવીએ છીએ. “અરે મારા ઈશ્વર! શા માટે મેં તે કર્યું?” આપણાં બાળકોને માર્યા પછી તેમનાં ઉઝરડા જોઈએ છીએ અને વિચારીએ છીએ આવું મેં પાગલ બનીને કર્યું હોવું જોઈએ. આપણે તેવી રીતે વર્તીએ છીએ કારણકે આપણાં હૃદયમાં હત્યા છે.
તેથી, ‘હું તે કરું છું જે મારે ન કરવું જોઈએ’ અર્થાત કે આપણે દુષ્ટતા કરીએ છીએ કારણકે આપણે દુષ્ટ છીએ. આપણને પાપ કરવા માટે લલચાવવા તે શેતાન માટે ખૂબજ સહેલું છે.
આપણે ધારી લઈએ કે એક માણસ જેણે છૂટકારો પ્રાપ્ત નથી કર્યો તે ૧૦ વર્ષ સુધી ઝુંપડીમાં બેસી રહે છે, દીવાલ તરફ મોઢું કરીને સુન્ગચોલ, કોરિયાના મહાન સાધુની જેમ ધ્યાનમાં બેસે છે. દીવાલ તરફ પોતાનું મોઢું કરીને બેસે છે તે બરાબર છે, પણ કોઈકે તો તેમના માટે ભોજન લાવવું પડશે અને તેમનું વિસર્જન સાફ કરવું પડશે.
તેમનો કોઈ સાથે સંપર્ક તો હોવો જ જોઈએ. જો તે એક પુરુષ છે તો કોઈ સમસ્યા નહિ થાય, પણ ચાલો ધારીએ કે તે એક સુંદર સ્ત્રી હતી. જો ભૂલથી પણ તેણીની સામે જોવાય જાય તો, અત્યાર સુધી તેમણે બેસવામાં ગાળેલો સમય વ્યર્થ જાય. તે વિચારી શકે છે, “મારે વ્યભિચાર કરવો જોઈએ નહિ; તે મારા હૃદયમાં છે, પણ મારે તેને દૂર કરવું જોઈએ. મારે તેને બહાર ફેંકી દેવું જોઈએ. ના! મારા મગજમાંથી બહાર નિકાલ!”
જે ક્ષણે તે તેણીને જોવે છે તે જ ક્ષણે તેના નિશ્ચયનું બાષ્પીભવન થઇ જાય છે. સ્ત્રીના ગયા પછી, તે પોતાનાં હૃદયમાં જોશે. પાંચ વર્ષની તેની તપસ્યાનો કોઈ જ અર્થ રહ્યો નથી, બધું જ ફોગટ.
એક વ્યક્તિનું ન્યાયીપણું લઈ લેવું શેતાન માટે ખુબજ સરળ છે. શેતાનને જે કરવાનું છે તે એ છે કે તેને થોડો ધક્કો મારે. જ્યારે વ્યક્તિ છૂટકારો મેળવ્યા વગર પાપ ન કરવાનો પ્રયત્ન કરે છે, તે ઉલટાનો પાપમાં પડતો જાય છે. તે વ્યક્તિ દર રવિવારે વિશ્વાસુપણે દશાંશ આપતો હશે, ૪૦ દિવસના ઉપવાસ કરતો હશે, ૧૦૦ દિવસોની પરોઢિયાની પ્રાર્થના કરી હશે....વગેરે. પણ શેતાન તેના જીવનમાં મોટેભાગે સારી વસ્તુઓથી તેને લાલચ આપશે અને છેતરશે.
“હું તમને કંપનીમાં મહત્વનો હોદ્દો આપવાં માગું છું, પણ તમે ખ્રિસ્તી છો અને રવિવારે કામ નથી કરી શકતા, કરી શકો છો? તે ખરેખર ઉંચો હોદ્દો છે. કદાચ તમે ત્રણ રવિવારે કામ કરીને મહિનામાં ફક્ત એક જ રવિવારે મંડળીમાં જઈ શકો. પછી, તમે તે મહાન પ્રતિષ્ઠાનો આનંદ ઉઠાવી શકશો અને ખુબજ સારો પગાર મેળવી શકશો. તે કેવીરીતે? અહીં, લગભગ ૧૦૦ માંથી ૧૦૦ લોકોને ખરીદી શકાય.
જો તે કામ નહિ કરે તો, જેઓ સ્ત્રીઓની વાસનામાં સરળતાથી ફસાઈ જાય છે તેવાં લોકો ઉપર શેતાન બીજી યુક્તિ કરશે. શેતાન તેની સામે એક સ્ત્રીને મુકાશે અને તે માથાથી લઈને પગ સુધી તેના પ્રેમમાં પડી જશે, ઈશ્વરને ત્વરિત જ ભૂલી જશે. તેવી રીતે માણસની ધાર્મિકતા ઉતારવામાં આવે છે.
જો આપણે નિયમ અનુસાર જીવવાનો પ્રયત્ન કરીએ, તો અંતમાં આપણી પાસે પાપના ઘાવ, પીડા અને આત્મિક ગરીબી હશે; આપણે બધીજ ધાર્મિકતા ગુમાવી દઈશું. “એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લૂગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.”
આનો અર્થ થાય છે કે ભલે આપણે પવિત્ર ઈશ્વરની ઈચ્છા દ્વારા જીવન જીવીને યરુશાલેમમાં રહેવાનો પ્રયત્ન કરીએ, આપણે આપણી નબળાઈઓ ને કારણે સમય દર સમયે ઠોકર ખાઈશું અને આખરે બરબાદ થઇ જઈશું.
તમે કદાચ હજુ પણ ઈશ્વર આગળ પસ્તાવાની પ્રાર્થના કરતા હશો. “પ્રભુ, મેં પાપ કર્યું છે. મહેરબાની કરીને મને માફ કરો; હું તે ફરી ક્યારેય નહિ કરું. હું તમને વચન આપું છું કે ખરેખર આ છેલ્લી વાર હતું. હું ભીખ માંગુ છું અને વિનંતી કરું છું ફક્ત આ એકવાર મને માફ કરીદે.”
પણ તે લાંબુ ચાલતું નથી. લોકો આ સંસારમાં પાપ કર્યા વગર રહી શકતા નથી. તેઓ કદાચ થોડા વખત માટે તેને ટાળી શકે, પણ પાપ ન કરવું તે અશક્ય છે. તેથી, આપણે વારંવાર પાપ કરતા રહીએ છીએ. “પ્રભુ, મહેરબાની કરીને મને માફ કરો.” જો આવું ચાલું રહેશે, તો તેઓ મંડળી અને તેમનાં ધાર્મિક જીવાનોથી દૂર જતા રહેશે. તેઓ તેમનાં પાપોને લીધે ઈશ્વરથી દૂર જતા રહેશે અને આખરે નરકમાં અંત થશે.
યરીખો તરફ યાત્રા કરવાનો અર્થ છે સાંસારિક દુનિયામાં પડવું; સંસારની નજીક આવવું અને યરુશાલેમથી દૂર જવું. શરૂઆતમાં, યરુશાલેમ હજી નજીક હોય છે; પણ જેમ પાપ કરવાનું અને પસ્તાવાનું ચક્ર પુનરાવર્તન પામે છે, ત્યારે આપણી જાતને યરીખોના ચોકમાં ઉભેલી મેળવીએ છીએ; સંસારમાં પૂરી રીતે ડૂબેલા.
કોણ ઉદ્ધાર મેળવી શકે છે?
તેઓ જે પોતાની ધાર્મિકતા સ્થાપવાનો પ્રયત્ન છોડી દે છે
તે પુરુષને યરીખોના માર્ગ પર કોણ મળ્યું? તેને લૂંટારા મળ્યા. જે વ્યક્તિ નિયમને જાણતો પણ નથી અને નિયમ અનુસાર જીવન જીવતો નથી તે ત્યજેલા કુતરા સમાન છે. તે પીવે છે, ગમે ત્યાં સુઈ જાય છે અને ગમે ત્યાં પેશાબ કરે છે. આ કુતરો બીજા દિવસે ફરીથી ઉઠશે અને ફરીથી પીશે. ત્યજેલો કુતરો પોતાનું મળ પણ ખાશે. તેથી એવા માણસને કુતરો કહેવાય છે. તે જાણે છે કે મદ્યપાન નથી કરવાનું, છતાં કરે છે અને પછીની સવારે પસ્તાવો કરે છે, વારંવાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે.
તે પેલાં પુરુષ જેવો છે જેને યરીખોના માર્ગમાં લૂંટારાઓ મળે છે. તેને ઘાયલ અને અધમુઓ કરીને છોડી દેવામાં આવે છે. તેનો અર્થ છે કે તેના હૃદયમાં ફક્ત પાપ છે. આ છે મનુષ્ય.
યરુશાલેમમાં નિયમો દ્વારા જીવવાનો પ્રયત્ન કરતી વખતે લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે, ધાર્મિક સમુદાય, પણ તેઓના હૃદયમાં ફક્ત પાપ સાથે તેઓ પાછળ છૂટી જાય છે. તેમની પાસે તેઓના ધાર્મિક જીવનો બતાવવા માટે પાપના ઘાવ છે. જેઓના હૃદયમાં પાપ છે તેઓને અંતમાં નરકમાં ફેંકી દેવામાં આવશે. તેઓ તે જાણે છે, પણ શું કરવું તે નથી જાણતા. શું તમે અને હું પણ એ જ રીતે ધાર્મિક શહેરમાં નથી રહ્યા? હા. આપણે બધાં ત્યાં સરખા હતાં.
પંડિત જેને ઈશ્વરના નિયમની ગેરસમજ હતી તે તેનાં જીવનભર સંઘર્ષ કરશે, અને ઘાયલ થયેલો, નરકમાં અંત કરશે. તે આપણાં માનો એક છે, તમે અને હું.
ફક્ત ઈસુ આપણને બચાવી શકે છે. આપણી આસપાસ ઘણાં બધા બુદ્ધિશાળી લોકો છે અને તેઓ નિરંતર તેઓ જે જાણે છે તેની બડાઈ કરતા રહે છે. તેઓ ઈશ્વરના નિયમ પ્રમાણે જીવવાનો ઢોંગ કરે છે અને પોતાની જાત સાથે પ્રામાણિક નથી. તેઓ કોઈ વાતને સ્પષ્ટ પણે કહી શકતા નથી, પણ તેઓ હંમેશા વિશ્વાસુ દેખાવા માટે તેમના બહારી દેખાવને સુશોભિત કરવાનું વલણ ધરાવે છે.
તેઓમાં યરીખો જનારા પાપીઓ પણ છે, જેને લૂંટારાઓ દ્વારા માર મારવામાં આવ્યો અને અધમૂઓ કરીને છોડી દેવામાં આવ્યો. આપણે જાણવું જોઈએ કે ઈશ્વર આગળ આપણે કેટલા નબળાં છીએ.
આપણે તેમની સામે કબૂલ કરવું જોઈએ, “પ્રભુ, જો તું મને નહિ બચાવે તો હું નરકમાં જઈશ. મહેરબાની કરીને મને બચાવ. તું જ્યાં ચાહે છે ત્યાં હું જઈશ, પછી ભલે બરફના કરા હોય કે વાવાઝોડું, જો હું ફક્ત સાચી સુવાર્તાને સાંભળી શકું. જો તું મને એકલો છોડી દઈશ, તો હું નરકમાં જઈશ. હું ભીખ માંગુ છું મને બચાવ.”
જેઓ જાણે છે કે તેઓ નરક તરફ જઈ રહ્યા છે અને પોતાની ધાર્મિકતા પાછળ ચાલવાના પ્રયત્નો છોડી દે છે, અને ઈશ્વરને વળગી રહે છે, તેઓ બચી શકશે. આપણે ક્યારેય પણ આપણાં પોતાના પ્રયત્નોથી બચી શકતા નથી.
આપણે જાણવું જ જોઈએ કે આપણે લૂંટારાઓના હાથમાં પાડેલાં પેલાં પુરુષ જેવાં છીએ.